કોરોના સંક્રમણના કારણે બે મહિના કરતા વધુ સમય સુધી લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપાર-ધંધાની સાથે સાથે રોડ રસ્તાના નિર્માણ સહિતના કામકાજો બંધ રહ્યા હતા.
(File Pic)
ત્યારે હવે જ્યારે લોકડાઉન હટ્યુ છે અને અનલોક 1 બાદ અનલોક 2 લગાવામાં આવ્યુ છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નરોડા-નારોલ રોડ પરના વિરાટનગર જંક્શન અને મેમ્કો બ્રિજથી ગુરુજી બ્રિજ સુધીના ૧૩ર ફૂટ રિંગરોડના અજિત મિલ જંક્શન પરના સ્પ્લિટ ફલાયઓવર બ્રિજનું નિર્માણકાર્ય પુનઃ શરૂ કરાયું છે.
(File Pic)
આ બંને સ્પ્લિટ ફલાયઓવર બ્રિજનું આગામી ડિસેમ્બર અંત સુધીમાં લોકાર્પણ થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, નારોલ-નરોડા રોડ પર વિરાટનગર જંકશનનું કામ ૭પ ટકા જેટલું પૂર્ણ થઇ ગયું હોઇ આગામી ડિસેમ્બર અંત સુધીમાં આ સ્પ્લિટ ફલાયઓવર બ્રિજ ધમધમતો થઇ જશે તેવી તંત્રની ગણતરી છે.
(File Pic)
વિરાટનગર જંક્શન પરથી પસાર થતો તથા ૧૩ર ફૂટ રોડ પરથી વિરાટનગર કેનાલ તરફ જતા હેવી ટ્રાફિકને સરળતાથી વહન કરી શકે તેવા આશયથી વિરાટનગર જંક્શન પર પ૦૭ મીટર લંબાઇનો સ્પ્લિટ ફલાયઓવર બ્રિજ નિર્માણાધીન છે. આશરે ૧૯ મીટર પહોળાઇના આ ફલાયઓવર બ્રિજ પાછળ રૂ.પ૦.૬૬ કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. વિરાટનગર જંક્શન ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં મેમ્કો બ્રિજથી ગુરુજી બ્રિજ સુધીના અજિત મિલ જંક્શન પરના ફલાયઓવર બ્રિજના બંધ પડેલા કામને પણ ફરી શરુ કરાયુ છે. ૧૩ર ફૂટના આ રિંગરોડ પર અજિત મિલ જંક્શન પર ૬૩૩ મીટર લંબાઇનો અને ૧૬.પ૦ મીટર પહોળાઇનો ફલાયઓવર બ્રિજ આશરે રૂ.૬૧.૧૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.