ભારત સહિત દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યુ છે. આ મહામારીનો ખાતમો કરવા માટે હાલ ઘણા દેશો દ્વારા વેક્સિન પર કામ ચાલી રહ્યુ છે. ત્યારે કોરોના સંક્રમણના વધી રહેલા કેસો વચ્ચે કોરોના ટેસ્ટીંગમાં રાહતરૂપ એક એવા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોરોનાના ટેસ્ટ કરાવીને પરિણામની રાહ જોવામાં હવે વધુ સમય નહીં લાગે. ટાટા ગ્રુપે એક એવી કીટ બનાવી છે કે જેનાથી ઝડપથી પરિણામ સામે આવશે.
કોરોના વાયરસની તપાસ માટે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી ફેલુદા તપાસ કિટ હવે દુનિયાભારમાં ઉપલબ્ધ કરાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. પહેલી વાર ભારતમાં શોધાયેલી અને નિર્માણ પામેલી કોરોનાની કીટ દુનિયાભરના દેશોમાં વપરાશે. આ માટે દર મહિને 10 લાખ કીટની ક્ષમતા સાથે ઉત્પાદન કાર્ય શરુ થઈ ચૂક્યું છે.
ડિસેમ્બરમાં આ બજારમાં આવશે. કંપનીના સીઈઓ ગિરીશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે અમે કોરોનાના ટેસ્ટિંગને વધુ સટીક અને વિશ્વાસપાત્ર બનાવવા માગીએ છીએ. આ કિટ દરેક લોકો સુધી પહોંચે તે માટે તેની ઉપલબ્ધતા વધારવા પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ કિટને સંપૂર્ણપણે ભારતમાં વિકસિત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, લેબની તમામ વૈજ્ઞાનિક જાણકારી આ પ્રોડક્ટને તૈયાર કરવામાં ઉપયોગ કરાઈ છે. લગભગ 100 દિવસ પછી અમે આ કિટને લોન્ચ કરવાની સ્થિતિમાં આવ્યા છીએ.