રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવશે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતા રિલાયન્સ ગ્રૂપ ડાયરેકટર અને કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ ખુશી વ્યક્ત કરી છે.
આ પ્રાણી સંગ્રહાલય જામનગર અને ગુજરાતને વિશ્વના ફલક ઉપર એક નવી ઓળખ અપાવશે. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના જામનગરમાં આકાર લઇ રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને ‘ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ તરીકે ઓળખવામાં આવશે.
આ માટેની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. આ પ્રાણી સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લું રહેશે અને તે વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોવિડ-19 રોગચાળાને કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પરંતુ, જો રોગચાળાને કારણે વધારે વિલંબ નહીં થાય તો આ પ્રોજેક્ટ બે વર્ષના સમયગાળામાં પૂર્ણ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.