કોરોના મહામારીના સંકટને કારણે ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં ઘટ્યું હતું. જોકે જુલાઇથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં ગુજરાતે વિેદેશી રોકાણ મામલે રેકોર્ડ બ્રેક કર્યો છે. એપ્રિલથી જૂન સુધી માત્ર રૂપિયા 3,055 કરોડ રોકાણ હતું તો બીજા ક્વાર્ટરમાં 1.16 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ(DPIIT)ના અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. DPIITના અહેવાલ મુજબ, બીજા ક્વાર્ટરમાં ગુજરાતમાં 1.19 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. એપ્રિલથી જૂન મહિના સુધીના લોકડાઉનના સમયમાં ગુજરાતમાં રૂપિયા 3055 કરોડનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું. આ મૂડીરોકાણ સાથે ગુજરાત દેશમાં સાતમા સ્થાને હતું. જ્યારે વર્ષ 2020-21ના પહેલા 3 મહિનાના આંકડાની વાત કરવામાં આવે તો કર્ણાટક દેશમાં પ્રથમ સ્થાને હતું. અહીં રુપિયા 10,255 કરોડનું મૂડીરોકાણ થયુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં રુપિયા 8859 કરોડ, દિલ્હીમાં રુપિયા 7237 કરોડ મૂડીરોકાણ થયું છે. મહત્વનું છે કે, FDI ઇક્વિટી ઇનફ્લૉના આંકડાઓ મુજબ, ઓક્ટોબર 2019થી જૂન 2020 સુધીના સમયગાળામાં દેશના કુલ વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતનો ફાળો 10 ટકા હતો.