આવતીકાલે એટલે કે 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજ્યનું રાજકારણ પણ છેલ્લા કેટલાક દિવસથી ગરમાયું છે. ગુજરાતમાં આવતીકાલે 19 જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલાબેન વોરા અને નરહરી અમીન મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. બીજેપીએ ધારાસભ્યોની હેરાફેરી કરીને કોંગ્રેસનું ગણિત ઊંઘુ પાડી દીધું છે.
રાજ્યસભા ચૂંટણી માટે ગાંધીનગરમાં મતદાન કેન્દ્ર પાસે કેન્દ્રીય ચૂંટણીપંચની ગાઇડલાઇન પ્રમાણે કોરોના વોર્ડ ઉભો કરાયો છે. જ્યારે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા MLAને મતદાન દરમિયાન વોર્ડમાં રખાશે.
ગુજરાતમાં હવે એવુ સમીકરણ થઈ ગયું છે કે, એક ધારાસભ્યના સમર્થન પર રાજ્યસભાનું ગણિત ટકેલું છે. એક ધારાસભ્યના આમતેમ થવાથી કોઈની પણ જીત અને કોઈની પણ હાર નક્કી થઈ શકે છે. મળતી માહિતી મુજબ, 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બહુ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેના બાદ કોંગ્રેસ એકજૂટ રહી ન હતી.
કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપી ચૂક્યા છે. જેના પગલે કોંગ્રેસ પાસે હવે માત્ર 65 ધારાસભ્યો રહ્યા છે. તો બીજેપી પાસે 103 ધારાસભ્યો છે. બીટીપી પાસે 2 અને એનસીપી પાસે 1 તથા એક નિર્દળીય ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે. જોકે, કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા ન આપ્યા હોત તો પાર્ટીના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત હતી. પરંતુ હવે મામલો પેચીદો થઈ ગયો છે.