ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો પર બે ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી હતી. ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બન્ને બેઠકો પર નવા જ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
જેમાં દિનેશભાઈ જેમલભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ભાજપે જ્યાં ખાલી બેઠકો પર નામ જાહેર કર્યા ત્યાં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં એકપણ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. મળતી માહિતી મુજબ, રાજ્યસભામાં ભાજપના બન્ને ઉમેદવાર બિનહરીફ થયા છે.
કોંગ્રેસ એક પણ ઉમેદવાર રાજ્યસભામાં નહીં ઉતારે કારણ કે, વિધાનસભામાં કોંગ્રેસ પાસે પુરતુ સભ્ય સંખ્યાબળ છે જ નહીં. અને પુરતુ સભ્ય સંખ્યાબળ ન હોવાથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બન્ને બેઠક માટે અલગ અલગ જાહેરનામું હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની સ્થિતિએ કોંગ્રેસના ઉમેદવાર જીતવાની સ્થિતિએ નથી. રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના માત્ર 3 સભ્યો જ બાકી રહી જશે. રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે. ચૂંટણી બાદ ભાજપ ની 8 અને કોંગ્રેસના 3 રહેશે.