ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ બુધવારે ત્રણ દિવસની રશિયા યાત્રા પર જવા માટે રવાના થયા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયા ખાતે મળનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે.
આ બેઠકમાં ચીનના રક્ષામંત્રી પણ સામેલ થવાના છે. જોકે સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહનો ચીની સમકક્ષ સાથે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. રાજનાથ સિંહે ચીની રક્ષામંત્રી સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી છે. બન્ને દેશો વચ્ચે એલએસીને લઈ તણાવપૂર્ણ સ્થિતિ છે.
ત્યારે ચીન સાથે તણાવ વચ્ચે રક્ષામંત્રી SCOના રક્ષામંત્રીઓના સંમેલનમાં સામેલ થવા માટે મોસ્કો રવાના થઈ ગયા છે. કાર્યક્રમ મુજબ ચાર સપ્ટેમ્બરે ભારતીય રક્ષા મંત્રી રશિયાના ડિફેન્સ મિનિસ્ટર સર્ગેઈ શોઈઝુ સાથે મુલાકાત કરશે. આ બેઠક બાદ તેઓ રશિયન સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે.
મહત્વનું છે કે, એસસીઓ બેઠક એવા સમયે થઈ રહી છે કે જ્યારે સંગઠનના બે મુખ્ય સભ્ય ભારત અને ચીન વચ્ચે સરહદે ગતિરોધ છે. હાલમાં જ ચીન સાથે પેન્ગોંગ લેક પર થયેલા તાજા વિવાદ બાદ ભારત અને ચીનના અધિકારીઓની એક બેઠકનો દોર ચાલી રહ્યો છે.