પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારે મંગળવારે ભારતના નવા ચુંટણી કમિશનર તરીકે વિધિવત રીતે પોતનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રની સાથે ભારતના ચૂંટણી પંચના સભ્ય છે. નવા ચૂંટણી કમિશનર તરીકે સચિવ રાજીવ કુમારની અશોક લવાસાની જગ્યાએ નિમણૂંક કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિએ પદ સંભાળવાની તારીખથી જ તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી હતી. અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નવી જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. જેને લઈ રાજીવ કુમારને હવે નવા ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો છે. રાજીવ કુમાર 1984 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. મહત્વનું છે કે, સુનીલ અરોરા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ ઉપરાંત અન્ય ચૂંટણી કમિશનર સુશીલચંદ્રા છે.
આપને જણાવી દઈએ કે રાજીવ કુમારને જાહેર નીતિ અને વહીવટ વિભાગમાંમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે જાહેર નીતિ અને બીએસસી અને એલએલબી સાથે સસ્ટેનેબિલીટીમાં માસ્ટર્સ કર્યુ છે.તેઓ ગત વર્ષે જુલાઈમાં નાણાં સચિવ તરીકે નિયુક્ત થયા હતા અને તેમનો કાર્યકાળ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થયો હતો. તેમજ તેઓ આર્થિક સમાવેશ માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાના મુખ્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે જાણીતા છે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના અને મુદ્રા લોન યોજના જેવી મોટી યોજનાઓ પણ સામેલ છે.