ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાને હજી મેઘરાજા ઘમરોળતો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ યથાવત રહેશે.
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસરના કારણે રાજ્યમાં આગામી 4 દિવસ સુધી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત અમરેલી, ભાવનગર, દ્વારકા સહિતના પંથકોમાં સોમવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અમદાવાદમાં ગણતરીની મિનિટોમાં કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તંત્રની પ્રિ મોન્સુનના ધજાગરા ઉડ્યા હતા.
જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ભાડથર, કોઠા વિશોત્રી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજીબાજુ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.