આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક્લ સર્ક્યુલેશન સર્જાયુ છે. જેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
(File Pic)
જોકે, ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. અત્યાર સુધી રાજ્યના બધા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચુકી છે. તો રાજ્યમાં અમુક જગ્યાએ તો સરેરાશ કરતા વધુ વરસાદ પડી ગયો છે. જો છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના 85 તાલુકામાં વરસાદ પડ્યો છે.
(File Pic)
ભરૂચ, દાહોદ અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તો અન્ય જગ્યાએ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના હાસોદમાં સૌથી વધુ 3 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. તો દાહોદમાં અઢી ઇંચ અને ગાંધીનગરના માણસામાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય મોરબીના કંટારા અને દાહોદના દેવગઢ બારિયામાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે આણંદના તારાપુર, પેટલાદ ખાતે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાવનગરના પાલિતાણામાં એક ઇંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 85 તાલુકામાં વરસાદ પડ્યો છે.