ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે તેવામાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 179 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
(File Pic)
જેમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળ્યો હતો. તો બીજીબાજુ સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેમજ વરસાદના કારણે સમગ્ર વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યમાં 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો વલસાડના ઉમરગામમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સુતના કામરેજમાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરાપાડા અને નવસારીમાં બે ઈંચ કરતા વધુ નોંધાયો હતો.
(File Pic)
આ ઉપરાંત વડોદરાના પાદરામાં પણ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યના છ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચ કરતાં વધુ વરસાદ પડયો. જ્યારે 32 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. સોમવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન રાજ્યમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં અડધો ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો.