રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે અને અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આસો મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ પંથકના તાલાળા, કોડીનારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કોડીનારના મિતિયાજ, રોણાજ સહિતના ગ્રામ્યપંથકમાં વરસાદી ઝાપટા પડ્યા તો રોડ રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. તો ગીરના ગામોમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગીરના સેમળીયા, પીખોર, ગુંદાળા, રાયડી, પાણીકોઠા સહિતના ગામોમાં ખાબકેલા વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ વખતે મગફળીનો પાક સતત વરસાદથી નિષ્ફળ ગયો છે ત્યારે હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે. મહત્વનું છે કે, આ વર્ષે નવરાત્રિના તહેવારોમાં પણ વરસાદ પડતાં ખેલૈયાના રંગમાં પણ ભંગ પડ્યો હતો અને નવરાત્રીનો માહોલ પણ ફિક્કો પડ્યો હતો.