ખેડૂતોને મગફળીના પાકમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળીમાં પ્રતિ મણે 1055 રુપિયાનો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે સોમવારથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના 139 કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે.
આ વખતે ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા માટે કુલ 4.25 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નાફેડના નિયમો મુજબ નાગરિક પુરવઠા વિભાગ મગફળીની ખરીદી કરશે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતી ના થાય તે માટે, સમગ્ર પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડીગ પણ કરવામાં આવી રહ્યું છે.
વહેલી સવારથી રાજકોટ જિલ્લા, અમરેલી જિલ્લા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી શરુ કરવામાં આવી છે. તો મગફળીની ખરીદી માટે રાજકોટ જિલ્લામાં 20-20 ખેડૂતોને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક ખરીદી કેન્દ્ર પર સાત કર્મચારી મૂકવામાં આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે મગફળી ખરીદી દરમિયાન કેન્દ્રો પર સેનેટાઈઝર, માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ખરીદી કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે અંગેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક કેન્દ્રો પર પુરતા પ્રમાણમાં બારદાન, વજનકાંટા અને મર્યાદિત મજુરોની સગવડ સાથે મગફળીની ખરીદી કરાઈ રહી છે.