સમગ્ર ગુજરાતમાં આજે અનલોક 1ની શરુઆત થઈ છે. જેમાં રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા કે જ્યાં કોરોનાના કેસો વધુ છે ત્યાં પણ બજારો ધમધમતા થયા હતા. સીટી બસ તેમજ એસટી બસો પણ આ મહાનગરોમાં અવર જવર કરતી જોવા મળી હતી. જાણે 68 દિવસના લોકડાઉન બાદ ગુજરાતમાં અનલોક-1ને લઈ જનજીવન પુન: ધબકતુ જોવા મળી રહ્યું છે.
રાજ્યભરમાં જાણે અઢી મહિના બાદ જનજીવન સામાન્ય થતાં રસતાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અનલોક 1ની શરુઆત થતાં રોડ પર લોકો પોતાના કામ ધંધે તેમજ ઓફિસ જતા નજરે પડ્યા હતા. શહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ એએમટીએસ-બીઆરટીએસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા અંદાજે અઢી મહીના જેટલા સમયગાળાથી ચાલી રહેલા લોકડાઉન બાદ આજથી નવા નિયમોની સાથે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં પણ રસ્તાઓ પર ટ્રાફિકજામ જોવા મળ્યો. તો રાજ્યના જિલ્લાઓમાં માર્કેટ પણ ધમધમતા જોવા મળ્યા હતા.
સુરતમાં પણ સીટી બસ તેમજ રીક્ષાઓ ફરતી જોવા મળી હતી. જો કે રિક્ષા ચાલકોને માત્ર 2 મુસાફરોને બેસાડવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે કાપડ માર્કેટ, હીરા બજાર સહિતના આજે નાના- મોટા વેપાર આજથી શરૂ થયા હતા.
આવા સંજોગોમાં વેપારીઓમાં હજુ પણ લોક-અનલોકને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. કાપડ માર્કેટ અને હિરા કારખાનામાં જ્યાં કારીગરો અને વેપારીઓ સોશિયલ ડિસ્ટનસનું પાલન કરતા નજરે પડ્યા હતા. સુરતના રીંગ રોડ માર્કેટમાં જે લોકો કન્ટેઈંટમેન્ટ ઝોનમાથી આવે છે તેઓને માર્કેટમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી.