ચીનના વુહાન પ્રાંતથી શરુ થયેલ કોરોના વાયરસનો પ્રકોપ હાલ દુનિયાના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણમાં કરોડો લોકો આવી ચુક્યા છે જ્યારે લાખો લોકો આ વાયરસના કારણે મોતે ભેટ્યા છે. હાલ ભારત, રશિયા, ચીન, અમેરિકા, બ્રિટેન સહિતના કેટલાક દેશો આ વાયરસનો તોડ શોધવામાં લાગ્યા છે. ઘણા દેશોમાં વેક્સિન ત્રીજા ટ્રાયલમાં પણ પહોંચી ગઈ છે. તો કેટલાક સંશોધનો પણ હાલ આ વાયરસના લક્ષણ પર કરાઈ રહ્યા છે.
ત્યારે સંશોધનમાં એક નવી વિગત હાલ સામે આવી છે. જે મુજબ ડેન્ગુ તાવ અને કોરોના વાયરસ વચ્ચે એક અનોખો સંબંધ છે. સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે જે વ્યક્તિને એકવાર ડેન્ગ્યુ થયો હોય તેમને તેમનું શરીર કોરોના વાયરસ સામે લડવા માટે કવચ પુરુ પાડે છે. આ સંશોધન ડ્યુક યુનિવર્સિટિના પ્રોફેસર મિગ્યુએલ નિકોલેસની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.
તેમણે દાવો કર્યો છે કે ડેન્ગ્યુ તાવ અને કોરોના વાયરસ એક બીજા સાથે જોડાયેલા છે. આ સંબંધમાં તેમણે 2019 અને 2020માં ફેલાયેલા ડેન્ગ્યુના રોગચાળાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે 2019 અને 2020માં જે જે જગ્યાએ ડેન્ગ્યુનો રોગચાળો ફેલાયો હતો તે જગ્યાઓ પર હાલ કોરોના વાયરસનું સંક્રમણ ઓછું જોવા મળી રહ્યું છે. આમ આ જગ્યાઓ પર કોરોના વાયરસ ધીમી ગતિથી ફેલાઈ રહ્યો છે. મહત્વનું છે કે, ગત વર્ષે બ્રાઝિલમાં ડેન્ગ્યુનો રોગચાળો ખૂબ ફેલાયો હતો. આ સંશોધન દરમિયાન બ્રાઝિલની વસ્તીમાં કોરોના વયારસ અને ડેંગ્યુના ફેલાવાના કારણે શરીરમાં એન્ટિબોડી બની હતી અને આ બન્ને વચ્ચે કોઈ નોંધપાત્ર સંબંધ વૈજ્ઞાનિકોને જોવા મળ્યો છે. બ્રાઝિલના જે વિસ્તારોમાં ડેન્ગ્યુનો રોગચાળો વધારે ફેલાયો હતો ત્યાં કોરોનાનું સંક્રમણ અન્ય વિસ્તારોની સરખામણીએ ખૂબ જ ધીમું રહ્યું છે.