રાજકુમાર રાવ તેની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇનામાં એક ગુજરાતી ઉદ્યોગપતિની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને તેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મના રિલીઝ પહેલા જ રાજકુમારે એક વીડિયો દ્વારા પોતાના બિઝનેસમેનની આવડત બતાવી હતી. હકીકતમાં, રાજકુમારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હોલીવુડના સુપરસ્ટાર લિયોનાર્ડો ડી કેપ્રિઓને પેન વેચતો નજરે પડે છે. વિડિઓમાં લિયોનાર્ડોની ફિલ્મ ધ વુલ્ફ ઓફ વોલસ્ટ્રીટના અંતિમ દ્રશ્ય દર્શાવવામાં આવ્યા છે. આ દ્રશ્યમાં, લિયોનાર્ડો એક વ્યક્તિને એક પેન વેચવાનું કહે છે. ત્યારબાદ વીડિયોમાં રાજકુમાર ગુજરાતી ઉચ્ચારમાં લિયોનાર્ડોને એક પેન વેચે છે. આ વિડિઓ દ્વારા રાજકુમાર પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે અને આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
‘મેડ ઇન ચાઇના’માં રાજકુમમાર રાવ ઉપરાંત મૌની રોય, ગજરાજ રાવ, બમન ઈરાની અને પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 25 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે.