અમદાવાદના મણીનગરના સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી પુજય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના દેહાવસાનના પગલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ મોટી ખોટ પડી છે. વડાપ્રધાન મોદી સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના નેતાઓએ પણ તેમના દેહાવસાનના પગલે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. છે.
પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના ગુરૂવારના રોજ ઘોડાસર સંકુલ ખાતે સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામીએ પણ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના અક્ષરવાસને લઈ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મહંતસ્વામી મહારાજે આ અંગે એક પત્ર લખીને જણાવ્યુ હતું કે, શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પરમ પૂજ્ય સ્વામી શ્રીપુરુષોત્તમપ્રિયદાસજીના અક્ષરવાસના સમાચાર જાણીને અત્યંત ખેદ થયો છે. આજથી આઠેક દાયકા પહેલા પરમ પૂજ્ય શ્રીમુક્તજીવનદાસજી સ્વામીજીએ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો આરંભ કર્યો હતો.
ત્યારથી આજપર્યંત આ સંસ્થાન દ્વારા અનેકવિધ આધ્યાત્મિક અને રચનાત્મક સેવાકાર્યો કરવામાં આવી રહ્યાં છે. સન 1979થી આ સંસ્થાનના આચાર્યશ્રી તરીકે સુકાન સંભાળીને પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીએ પોતાના ગુરુવર્ય શ્રી મુક્તજીવનદાસ સ્વામીજીના પગલે પગલે ચાલીને અનેકવિધ સેવા કાર્યની સાથે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે, કુદરતી આપત્તિઓમાં રાહત કાર્યોના ક્ષેત્રે, આરોગ્ય તેમ જ અન્ય સામાજિક સેવાઓમાં આપેલા પ્રદાનો હંમેશા તેમની સ્મૃતિ કરાવે છે. તેમનો સરળ, સ્નેહાળ અને સદા મિલનસાર સ્વભાવ સૌને પ્રેરણા આપતો હતો. તેમની વિદાયથી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અને સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ મોટી ખોટ પડી છે.
(અક્ષરવાસી પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી)
અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેનો તેમનો સ્નેહભર્યો આદરભાવ ક્યારે વિસરી શકાશે નહીં. તેમણે ભક્તિ, સેવા, સત્સંગની જે આધ્યાત્મિક પ્રેરણાઓ આપી છે તે આ સંસ્થાન દ્વારા, તેઓના અનુગામી પરમ પૂજ્ય જિતેન્દ્રીયપ્રિયદાસસ્વામીજી દ્વારા, સર્વે સંતો અને હરિભક્તો દ્વારા અનેક વર્ષો સુધી વહેતી રહે તેવી દ્રઢ શ્રદ્ધા છે. પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીજીના અક્ષરનિવાસી આત્માને હૃદ્યપૂર્વક ભાવાંજલી અર્પણ કરવા સાથે તેમની વિદાયનું દુઃખ સહન કરવાની સૌને શક્તિ પ્રાપ્ત થાય તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે. તેઓની પ્રેરણાથી, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને વિશ્વભરના લાખો હરિભક્તોએ પણ પ્રાર્થના કરીને પરમ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલી આપી છે.