ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ શહેર અને જિલ્લા સુધી પહોંચ્યો છે. જ્યાં જેતપુર શહેરના બે મુખ્ય ચોક તીન બતી અને સ્ટેન્ડ ચોકમાં રોડ પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર લગાવવામાં આવ્યા છે.નોંધનીય છે કે, આ પોસ્ટર જે ચોકમાં લાગ્યા તે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા અને રાત્રી દરમિયાન પોલીસ બંદોબસ્તવાળા ચોક છે. ઉપરાંત બંને ચોકની વચ્ચે માત્ર 100 મીટરના અંતરે જ પોલીસ સ્ટેશન આવેલ છે. અને ચોકમાં અસામાજિક તત્વો પર નજર રાખવાના જેટ આઈ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. રસ્તા પર પોસ્ટર ચોટાડતા જેતપુર પોલીસ હરકતમાં આવી છે.
જેતપુરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા નૂપુર શર્મા વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવાનો પણ કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે રાજકોટ શહેરના રૈયા રોડ પર આઝાદ ચોકમાં રસ્તા પર ‘એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોટાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કિસાનપરા ચોક અને આમ્રપાલી અંડરબ્રિજમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોલીસે રસ્તા પર લગાવેલા પોસ્ટર ઉખાડવા કામગીરી શરૂ કરી હતી.