ચકચારી કાનપુર હત્યાકાંડનો મુખ્ય આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેને આજે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે એનકાઉન્ટરમાં ઠાર માર્યો છે.
ત્યારે આ એનકાઉન્ટર પર હવે રાજકારણ પણ શરુ થઈ ગયુ છે. એકબાજુ જ્યાં શિવસેનાએ એનકાઉન્ટરનું સમર્થન કર્યું છે તો બીજીબાજુ કોંગ્રેસ અને સપાએ આ અંગે સવાલ ઉઠાવ્યા છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે યુપી પોલીસની કાર્યવાહી પર સવાલ ન ઉઠાવવા જોઈએ. જે ગુંડાઓએ પોલીસની હત્યા કરી તેના પર સવાલ ઉઠવા જોઈએ, પોલીસ પર નહીં. વિકાસ દુબેનું એન્કાઉન્ટર લો અને ઓર્ડરનો સવાલ હતો. આ બાજુ કોંગ્રેસે સંરક્ષણ આપનારાનું હવે શું એમ કહી સવાલ ઉઠાવ્યો છે જ્યારે માયાવતીએ તપાસની માગણી કરી છે.
કાનપુર કાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટરને લઈને પ્રિયંકા ગાંધીએ તેને સંરક્ષણ આપનારાઓ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અપરાધીનો અંત થઈ ગયો, અપરાધ અને તેને સંરક્ષણ આપનારા લોકોનું શું થશે?
જયારે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ દુબે અને 2 જુલાઈની રાતે શહીદ થયેલા 8 પોલીસકર્મીઓના મામલે ઉચ્ચસ્તરીય તપાસ સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં કરવા માંગ કરી છે. આ ઉપરાંત અખિલેશ યાદવે પણ આ મામલે ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યો હતો.