કોરોના સંકટમાં દુનિયા માટે એક સારા અહેવાલ સામે આવ્યા છે. આફ્રિકા ખંડને વાઈલ્ડ પોલિયો બીમારીથી પૂરી રીતે મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત સ્વતંત્ર એજન્સી આફ્રિકા રિઝનલ સર્ટીપિખેશન કમીશને કરી હતી. આફ્રિકા ખંડ પોલિયોમુક્ત થતાં હવે વિશ્વમાં બે જ દેશ પોલિયોગ્રસ્ત રહ્યા છે. જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આફ્રિકા ખંડના તમામ 47 દેશોની સાથે વિડિયોકોન્ફરન્સ દરમિયાન બેઠક કરી હતી.
આફ્રિકામાં વાઈલ્ડ પોલિયોનો અંતિમ કેસ ચાર વર્ષ પહેલા ઉત્તર પૂર્વી નાઈઝેરીયામાં સામે આવ્યો હતો. Who એ આ પહેલા નિવેદન જાહેર કરીને જણાવ્યુ હતું કે, આફ્રિકા ખંડની સરકારોના અથાગ પ્રયત્નો, દાનદાતાઓ, ટોચના સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ અને સમુદાયની મદદથી 18 લાખ બાળકોને જીવનભરની વિકલાંગતામાંથી બચાવી લીધા. મહત્વનું છે કે, પોલિયોથી 5 વર્ષ સુધીના બાળકોને વિકલાંગ થવાનો ખતરો રહે છે.
એક રિપોર્ટ મુજબ આશરે 25 વર્ષ પહેલા આફ્રિકામાં હજારો બાળકો પોલિયો વાયરસનો શિકાર થયા હતા અને તેના કારણે તેઓ લકવાગ્રસ્ત બની ગયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું કે આ બીજી વખત છે જ્યારે આફ્રિકામાં કોઈ વાયરસને હરાવવામાં આવ્યો છે. ચાર દાયકા પહેલા અહીં ચેચક વાયરસનો પૂરી રીતે ખાતમો કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, ભારતને વર્ષ 2014માં જ પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો હતો.
શું છે પોલિયો ?
પોલિયોને પોલિયોમેલાઈટિસ પણ કહેવામાં આવે છે. આ એક ગંભીર સંક્રમિત રોગ છે, જે પોલિયો વાયરસના કારણે થાય છે. કોરોના વાયરસની જેમ જ આનું સંક્રમણ પણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આનું સંક્રમણ વ્યક્તિના શરીરના કરોડરજ્જુ અને મગજને નુકશાન પહોંચાડી શકે છે. જેના કારણે વ્યક્તિ લકવાગ્રસ્ત થઈ શકે છે અથવા તો તેના શરીરનું અંગ પણ કામ કરવાનું બંધ કરી દે છે.