દેશમાં ડિજિટલ ક્રાંતિ પછી વાઇ-ફાઇ ક્રાંતિ આવી રહી છે. આ માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ-પબ્લિક વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇંટરફેસ (પીએમ વાણી) યોજનાને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. પીએમ-વાણી યોજના વિશે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, દેશમાં ડિજિટલ ક્રાંતિ બાદ હવે વાઇ-ફાઇ ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે.
આ યોજનાના અમલ પછી, સામાન્ય માણસને ઇન્ટરનેટ માટે કોઈ મોટી કંપનીના પ્લાનની જરૂર નહીં પડે. આ સિવાય, Wi-Fi ક્રાંતિને લીધે, દેશના દૂરના વિસ્તારોમાં ઝડપી ગતિથી ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે. આ યોજના અમલમાં મૂકવા સરકાર ત્રણ સ્તરે કામ કરશે. જેમાં પબ્લિક ડેટા ઓફિસ, સાર્વજનિક ડેટા એગ્રીગ્રેટર અને એપ પ્રોવાઈડર સામેલ હશે. પીએમ વાણી યોજના અંતર્ગત દેશભરમાં પબ્લિક ડેટા સેન્ટર ખોલવામાં આવશે.
પબ્લિક ડેટા સેન્ટર માટે કોઈ લાઇસન્સ ફી ચૂકવવાની રહેશે નહીં અને રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે નહીં. દેશભરમાં પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર્સની નિયુક્તિ કરાશે જેઓ પબ્લિક ડેટા ઓફિસ (પીડીઓ) દ્વારા સમગ્ર દેશમાં પબ્લિક વાઇફાઇ સર્વિસ પૂરી પાડશે. પીડીઓ ઓફિસ હકીકતે લોકોની દુકાન જ હશે. જે કોઈ પણ વધારાના લાઈસન્સ વગર રસ ધરાવતા દુકાનદારો પીડીઓ શરુ કરી શકશે. મહત્વનું છે કે, પીડીઓ સેન્ટર પાસેથી વાઈ-ફાઈ સબસ્ક્રિપ્શન લઈને આસપાસના લોકો ઈન્ટરનેટનો સરળતાથી ઉપયોગ કરી શકશે. ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત આખા દેશને સરળતાથી ડેટા કનેક્શન મળી રહે, ઈન્ટરનેટ મળતું થાય એ માટે સરકારે આ પગલાંની જાહેરાત કરી હતી.