વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે 24મી ઓક્ટોબરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરવાના છે. કોરોના મહામારીને કારણે તેમના હસ્તે ઇ-શુભારંભ કરાશે. અનેક કઠિનાઈઓ અને અવરોધોને પાર કરી આખરે રોપવે પ્રોજેક્ટ કાગળ પરથી વાસ્તવિક રીતે તૈયાર થઈ ગયો છે. આ રોપવે એશિયાનો સૌથી લાંબો અને મોટો રોપવે છે.
ત્યારે જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. એશિયાના સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 750 ટૂવે નક્કી કરાયા છે. બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ લોકાર્પણ પ્રસંગે ગીરનાર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે.
લોકાર્પણ વખતે તેઓ પ્રથમ ટ્રોલીમાં બેસીને દર્શન કરશે. આ સિવાય આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ ગીરનાર પર આવેલા અંબાજીના દર્શન કરશે. મહત્વનું છે કે, ગુજરાતમાં હાલ ત્રણ સ્થળે રોપ-વે કાર્યરત છે. હવે ગિરનાર રોપ-વે રાજ્યનો ચોથો રોપ-વે બનશે. આ રોપ વેનું અંતર 2.3 કિલોમીટર લાંબું છે. તેમજ આ પ્રોજેક્ટ પાછળ કુલ 130 કરોડનો ખર્ચે કરાયો છે.