પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણા લોકપ્રિય છે. પ્રધાનમંત્રી મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ ટ્વિટર પર સૌથી વધુ ફોલો મેળવનાર નેતા છે. ટ્વિટર પર પીએમ મોદીના 53.3 મિલિયન ફૉલોઅર છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના 73.2 મિલિયન ફૉલોઅર છે. હવે પ્રધાનમંત્રી મોદી પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરવાનું મન બનાવી રહ્યા છે.
તેમણે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ટ્વીટમાં તેમણે લખ્યું, આ રવિવારે, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યો છું. તમને બધાને પોસ્ટ કરતો રહીશ. તેમણે પોતાના વ્યક્તિગત ટ્વીટર હેન્ડલ @narendramodi પરથી તેની જાણકારી આપી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે, ‘વિચારી રહ્યો છું કે આ રવિવારે હું ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબથી હટી જાઉં. આગળ જાણકારી આપતો રહીશ.’
મહત્વનું છે કે ટ્વીટ પર પીએમ મોદીના પર્સનલ એકાઉન્ટ પર હાલ 53.3 મિલિયન ફોલોઅર છે. તો ફેસબુક પર 44,597,317 લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના 35.2 મિલિયન ફોલોઅર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ટ્વીટથી લોકો ચોંકી ગયા છે. તેમના ટ્વીટર હેન્ડલ પર લોકો પોસ્ટ કરી તેમને આમ ન કરવાની ભલામણ કરી રહ્યાં છે.