દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે કોરોના મહામારીના કારણે ઘણા રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે આ રાજ્યોમાં દિવાળીના આ પર્વની હર્ષોલ્લાસ સાથે દીપ પ્રાગટ્ય અને પોતાન ઘરોને શણગારીને ઉજવણી કરવામાં આવશે.
ત્યારે પીએમ મોદીએ દિવાળી પહેલા દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આ વખતે લોકલ સામાન ખરીદવા અપીલ કરી છે. તેમજ આ માટે પીએમ મોદીની અપીલ પર ભાજપ દ્વારા દેશભરમાં લોકલ દિવાળીની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ લોકોને સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદીને દિવાળી ઉજવવા અપીલ કરી છે. આ સાથે, દેશભરમાં ભાજપના કાર્યકરો સ્થાનિક દુકાનમાંથી જનતા માલ ખરીદે તે માટેનું અભિયાન શરૂ કરી રહ્યા છે, અને તે માટે આગ્રહ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા મન કી બાતમાં પણ દેશવાસીઓને લોકલ પ્રોડક્ટ્સ વધુ માત્રામાં ખરીદે તેવી અપીલ કરી હતી.જેમાં દીવાળીમાં સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ સજાવટની વસ્તુઓથી માંડીને માટીના દીવાની ખરીદી કરવા માટે અપીલ કરી હતી.