વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતિમ દિવસે સમગ્ર ગુજરાતને એક નવી ભેટ આપવા જઈ રહ્યા છે. જેનાથી ખાસ તો સૌરાષ્ટ્રના લોકોને ઘણી મોટી રાહત મળવાની આશા છે.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બર 2020 ના રોજ એક વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની પ્રથમ AIIMS નો શિલાન્યાસ કરશે. મહત્વનું છે કે ગુજરાત માટે છેલ્લા કેટલાય સમયથી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી સંસ્થા અને હોસ્પિટલની માંગણી પડતર હતી.
જેને મોદી સરકારે માન્ય રાખી હતી અને આ AIIMS રાજકોટમાં બનાવવાનું નક્કી કરાયું હતું. 31 મી ડિસેમ્બરે પીએમ મોદી આ AIIMS નું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત અનેક મોટા નેતાઓ સ્થળ પર ઉપસ્થિત રહેશે.
આપને જણાવી દઈએ કે AIIMS સંસ્થા માટે 201 એકર જમીન ફાળવવામાં આવી છે, જે અંદાજે 1,195 કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને વર્ષ 2022ની મધ્યમાં તેનું બાંધકામ પૂર્ણ થવાની અપેક્ષા છે. આ હોસ્પિટલમાં અત્યાધુનિક 750 બેડની હોસ્પિટલની સાથે જ 30 બેડનું આયુષ બ્લોક પણ હશે. PMO એ કહ્યું કે તેમાં 125 MBBS બેઠકો અને 60 નર્સિંગ બેઠકો હશે.