અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ માટે આયોજિત ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન મોદીએ મંચ પરથી સંબોધન કર્યુ હતું. અયોધ્યામાં વિધિવત રૂપથી પૂજા કાર્યક્રમ બાદ પીએમ મોદીએ પોતાના ભાષણની શરુઆત સીયાવર રામ ચંદ્ર કી જયના જયઘોષ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, આજે આ જયઘોષ માત્ર સીતારામની નગરીમાં જ નથી સંભળાતો પરંતુ તેની ગુંજ સમગ્ર વિશ્વમાં ફેલાય અને કરોડો રામ ભક્તોને આજના આ પવિત્ર અવસરની શુભકામનાઓ.
પીએમ મોદીએ જણાવ્યું કે, મારુ સૌભાગ્ય છે કે, રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું અને આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવાની તક આપી. સાથે જ તેમણે કહ્યું કે, સરયુના કિનારે સ્વર્ણિમ ઇતિહાસ રચાઇ રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય બન્યું છે. સમગ્ર ભારત ભાવુક બન્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે રામ આપણા બધાની અંદર છે રામ હજી પણ આપણા મનમાં છે.
તેમણે જણાવ્યું કે, હનુમાનજીના આશીર્વાદથી રામ મંદિર બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે, આ મંદિર આધુનિકતાનું પ્રતીક બનશે. આ મંદિર આપણી રાષ્ટ્રીય ભાવનાનું અને કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પ્રતીક બનશે. પીએમ મોદીના ભાષણ પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.