દેશમાં કોરોના મહામારીના વધી રહેલા પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીએ આ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે, કોરોના સામેની લડાઈમાં હવે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રીત કરીને બિમારીને કંટ્રોલમાં લાવવી પડશે. તેમણે દેશના 60 સૌથી વધુ પ્રભાવિત જિલ્લાની ઓળખ કરીને હવે ત્યાં વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા રણનીતિ બનાવવા માટે રાજ્ય સરકારોને વિનંતી કરી.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 700થી વધારે જિલ્લા છે પણ કોરોનાના જે મોટા આંકડા છે તે ફક્ત 60 જિલ્લામાં છે. તે પણ 7 રાજ્યોમાં. મુખ્યમંત્રીઓને સલાહ છે કે તે એક 7 દિવસનો કાર્યક્રમ બનાવે અને દરરોજ 1 કલાક આપે. વર્ચ્યુઅલ રીતે એક જિલ્લાના 1-2 લોકો સાથે સીધી વાત કરવા માટેની રણનીતિ બનાવવા રાજ્ય સરકારોને જણાવ્યું. મહત્વનું છે કે, આ બેઠકમાં શિયાળાના મહિનામાં થતા વાયુ પ્રદુષણ અને તેના પરિણામ સ્વરૂપ COVID 19 પર ફેફસા પર તેના પ્રભાવ ઉપર પણ ચર્ચા થઈ હતી.