ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી 93 વર્ષના થઈ ગયા છે. વડાપ્રધાન મોદીએ અડવાણીના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. .મોદીએ અડવાણીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા.આ પ્રસંગે અડવાણીની દીકરી પ્રતિભા કેક લઈને આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ અડવાણીના હાથ પકડીને કેક કપાવી તેમને પોતાના હાથથી કેક ખવડાવી.
ત્યારબાદ એલકે અડવાણીએ પણ પીએમ મોદીને કેક ખવડાવી. આ દરમિયાન પીએમ મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે.
આ પહેલા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, બીજેપીને જન-જન સુધી પહોંચાડવાની સાથે દેશના વિકાસમાં અગત્યની ભૂમિકા નિભાવનારા લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. વડાપ્રધાન ઉપરાંત બીજેપીના અનેક નેતાઓએ પણ લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી હતી.