પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિભિન્ન રાજકીય પક્ષો અને ટોચના કેન્દ્રીય મંત્રીઓ તથા નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીનના વિતરણને લઈ આ બેઠકમાં ચર્ચા થઈ.
બેઠક બાદ PM મોદીએ જણાવ્યું કે, હજુ આઠ વેક્સીન એવી છે જે ટ્રાયલના ચરણમાં છે. પીએમ મોદીએ કહ્યું કે એવી આશા છે કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.
વડાપ્રધાને જણાવ્યું કે, દુનિયાભરના દેશ રસીને લઈને ભારત તરફ મીટ માડીને બેઠા છે. પીએમ મોદીએ રસી કોને પહેલાં આપવી તેના વિશે માહિતી આપતાં જણાવ્યુ કે, હાલ આ મુદ્દે રાજ્યો સાથે ચર્ચા ચાલી રહી છે, જેમાં ફ્રંટલાઈન કોરોના વોરિયર જેવા કે આરોગ્ય કર્મચારીઓ, ડોક્ટરો, પોલીસ, ગંભીર બિમારીથી પીડાતા બુઝર્ગ વ્યક્તિઓને પહેલાં રસી આપવામાં આવશે. જે રસીઓને મંજૂરી મળશે તેનો ભાવ કેટલો રાખવો તેને લઈને પણ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે પીએમ મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.