યૂકે દ્વારા જૂન 2021માં G-7 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ શિખર સંમેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. જૂન 2021માં યૂકે દ્વારા G-7 શિખર સંમેલનમાં પીએમ મોદીને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત યૂકેના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યુ કે તેઓ G-7 શિખર સંમેલન પહેલા ભારતનો પ્રવાસ કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે, દુનિયાની ફાર્મસીના રુપે ભારત પહેલા જ વિશ્વની 50%થી વધુ રસીનો જથ્થો પૂરો પાડી રહ્યુ છે અને યૂકે-ભારતે મહામારી દરમિયાન એક સાથે મળીને કામ કર્યું હતું.
આ પહેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના પ્રકોપને લીધે ભારત પ્રવાસ રદ કર્યો હતો. તેઓ ભારતના પ્રજાસત્તાક દિને દેશના મુખ્ય મહેમાન તરીકે સામેલ થવાના હતા. તેમણે ટેલિફોનિક વાતચીત દરમિયાન પીએમ મોદી સમક્ષ ભારત પ્રવાસ ન કરવાની અસક્ષમતા દર્શાવી હતી. યૂકે વડાપ્રધાને પીએમ મોદીને 2021ના પહેલા છ મહિનામાં ભારત પ્રવાસ કરવાની સક્ષમતા પર આશા વ્યક્ત કરી હતી.