વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે કોરોના સંકટ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ બેઠકમાં જણાવ્યું કે લોકડાઉનનો દેશને લાભ મળ્યો છે. કોરોના સામેના સંકટમાં લોકડાઉનના કારણે તેના સંક્રમણને ફેલાતો થોડાક અંશે સફળતા મળી છે.
તેમણે લોકડાઉન પર રાજ્યોના મુખ્યમંત્રીઓને સંયમનો મંત્ર પણ આપ્યો. આશરે 3 કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાનને કેટલાક મુખ્યમંત્રીઓએ સલાહ પણ આપી. સુત્રોના જણાવ્યા મુજબ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાનો પણ આગ્રહ કર્યો.
આ પહેલા અત્યાર સુધી વડાપ્રધાન મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે ત્રણ વખત મિટિંગ કરી ચુક્યા છે.. પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીને કહ્યું કે સામૂહિક પ્રયત્નનો લાભ જોવા મળી રહ્યો છે. દેશમાં 3 મે સુધી માટે લોકડાઉન લાગુ છે.
તેમણે જણાવ્યું કે, અન્ય દેશોની સરખામણીએ ભારત સારી સ્થિતિમાં છે. મહત્વનું છે કે, આ વિડિયો કોન્ફરન્સમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. આ પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે કોરોના વાયરસના મામલે ચાલી રહેલ વિવાદોને લઈ તેઓ આ બેઠકમાં હાજરી નહીં આપે.