વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે અટલ બિહારી વાજપેયીને પાછળ છોડતા સૌથી લાંબા સમય સુધી કેન્દ્રમાં સત્તામાં રહેનાર બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ કાયમ કર્યો છે. અટલ બિહારી વાજપેયીના તમામ કાર્યકાળને ભેગા કરતા તેઓ 2268 દિવસ સુધી દેશના વડાપ્રધાન તરીકે રહ્યા હતા. જે અત્યાર સુધી સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનારા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા.
(File Pic)
જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ગુરુવારે અટલ બિહારી વાજપેયીને પાછળ છોડી દીધા છે. વર્ષ 2014ની લોકસભા ચુંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.
તેમણે 26 મે 2014ના રોજ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. ત્યારબાદ 2019ની લોકસભા ચુંટણીમાં ભાજપે વધુ એક મોટી જીત મેળવી અને નરેન્દ્ર મોદી સતત બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.
(File Pic)
જ્યારે અટલ બિહારી વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન રહી ચુક્યા છે. 1996માં તેઓ પ્રથમ વખત દેશના પીએમ બન્યા પરંતુ તેઓ બહુમત સાબિત ન કરી શક્યા. ત્યારબાદ તેઓ 1998 અને 1999માં વડાપ્રધાન બન્યા અને 2004 સુધી સત્તામાં રહ્યા હતા. વાજપેયી પ્રથમ એવા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો.
ગુલજારી લાલ નંદા સૌથી ઓછા સમય સુધી રહ્યા પીએમ
સૌથી ઓછા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ગુલજારી લાલ નંદાના નામે છે. લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ તેઓ 11 જાન્યુઆરી 1966થી 24 જાન્યુઆરી 1966 સુધી 13 દિવસ માટે કાર્યકારી પ્રધાનમંત્રી રહ્યા હતા. આ પહેલા જવાહરલાલ નહેરુના નિધન બાદ પણ તેઓ 27 મે 1964થી 9 જુન 1964 સુધી દેશના કાર્યકારી પ્રધાનમંત્રી રહ્યા હતા.
સૌથી વધુ સમય સુધી પીએમ રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામે
જ્યારે વાત સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેવાની કરવામાં આવે તો આ રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામે છે. તેઓ 16 વર્ષ 286 દિવસ સુધી દેશના વડાપ્રધાન તરીકે રહ્યા હતા.