વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. અટલ ટનલ એ વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી છે. આ ટનલ હવે મનાલીને લાહૌલ સ્પીતી વેલી સાથે જોડી રાખશે. અગાઉ ભારે બરફવર્ષાના કારણે ખીણ વર્ષના 6 મહિના સંપર્ક વિહોણી બની જતી હતી. જોકે હવે આ ટનલથી મોટો ફાયદો થશે.
રોહતાંગમાં ખુલ્લી મુકવામાં અટલ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય નાણાં મંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલના મુખ્યમંત્રી સહિત સીડીએસ જનરલ બિપીન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટનલની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો તેમાં દર 150 મીટર પર ટેલિફોન, દર 60 મીટર પર ફાયર હાઈડ્રેન્ટ અને દર 500 મીટર પર ઈમરજન્સી એક્ઝિટ લાગેલુ છે. સાથે જ દર 2.2 કિલોમીટર બાદ સુરંગમાં યુ-ટર્ન અને દર 250 મીટર પર સીસીટીવી કેમેરાથી આ ટનલ સજ્જ છે.
મહત્વનું છે કે, રોહતાંગમાં 10,040 ફૂટની ઊંચાઈ પર આવેલી દુનિયાની સૌથી લાંબી ટનલ દ્વારા ભારતીય સેના પણ ભારત-ચીન સરહદ પર ઝડપી પહોંચી શકશે. આ ટનલના રસ્તે લોકો મનાલીથી કેલાંગ માત્ર દોઢ કલાકમાં પહોંચી શકશે. જ્યારે હાલ આ અંતર કાપવામાં 4થી 5 કલાકનો સમય લાગે છે.
આપને જણાવી દઈએ કે, 3 જૂન 2002ના રોજ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ લાહોલના કેલાંગમાં રોહતાંગ ટનલ નિર્માણની જાહેરાત કરી હતી. જૂન 2004માં અટલ બિહારી વાજપેયીએ રોહતાંગ ટનલના નોર્થ પોર્ટલને મનાલી-લેહ હાઈવેથી જોડનાર પલચાન-ધુન્દી રસ્તાનો શિલાન્યાસ કરી ટનલ નિર્માણનો રસ્તો ખોલ્યો હતો.