ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને દેશના ઘણા શહેરોમાં તો કિંમત 100ને પાર થઈ ગઈ છે. વિપક્ષ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવને લઈ સરકાર પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
ભારતમાં છેલ્લા દસ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કોઈ રાહત નહીં મળે તેવા સંકેત આપ્યા છે. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના સતત ઉંચા જઈ રહેલા ભાવ છતા રાજ્યમાં વેટમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહી.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘણો ઓછો છે અને તેથી કોઈ બોજ પડતો નથી. આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં ક્રૂડ ઓઇલ મર્યાદિત બની છે 85 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરવાની નોબત આવી છે એટલું જ નહિ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ વધવાના કારણે ભાવ વધ્યો હોવાનું રટણ નીતિનભાઈ એ કર્યું હતું. જોકે તેમના આ નિવેદનથી સ્પષ્ટ છે કે હાલ ગુજરાતની જનતાને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ રાહત મળે તેવા અણસાર નથી.