દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં શુક્રવારે સતત 11માં દિવસે વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 31 પૈસા અને ડીઝલની કિંમત 33 પૈસા વધી છે. ત્યાર બાદ હવે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.19 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 80.60 રૂપિયા પહોંચી છે. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 13મી વખત વધી છે.
દિલ્હીમાં સતત 10 દિવસમાં પેટ્રોલ 3.24 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલની કિંમત 3.49 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે. તો ગુજરાતના પણ વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો પર મોંઘવારીનો માર પડ્યો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 87.36 રુપિયા પ્રતિ લિટર પહોંચ્યા છે. જ્યારે ડીઝલ 86.80 રુપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યુ છે.
અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટર 87.20 રુપિયા, ડિઝલ 86.59 રુપિયા પ્રતિ લિટરે પહોંચ્યુ છે. જ્યારે વડોદરામાં પેટ્રોલની કિંમત 86.99 રુપિયા પ્રતિ લિટર થઈ છે. મહત્વનું છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે. બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 65 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો છે. નાયમેક્સ પર ડબલ્યૂટીઆઈ માર્ચ કોન્ટ્રાક્ટ 0.96 ટકાની તેજી સાથે 62.27 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો છે.