દુનિયાભરમાં વાયુ પ્રદુષણ એક પડકાર બની રહ્યુ છે અને તેમાં દુનિયાભરમાં દોડતી કરોડો કારોનો બહુ મોટો ફાળો છે. પોલ્યુશન રોકવા માટે હવે બ્રિટેને એક મહત્વનો નિર્ણય કર્યો છે.જેના કારણે ત્યાંની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનુ સ્વરુપ જ બદલાઈ જશે.બ્રિટને 2030થી દેશમાં પેટ્રોલ અને ડિઝલથી ચાલતી ગાડીઓના વેચાણ પર રોક લગાવવાનુ નક્કી કર્યુ છે.
દુનિયામાં ગમે તેટલા પ્રયત્નો થયા હોય પણ પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનોનુ વેચાણ ઓછુ થતુ નથી ત્યારે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આગામી સપ્તાહે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.આ પહેલા બ્રિટને આ નિર્ણયને 2035થી લાગુ કરવાનુ નક્કી કર્યુ હતુ પણ હવે બોરિસ જોનસને 2030 થી જ આ પ્રતિબંધ લાગુ કરવાનુ નક્કી કર્યુ છે.
બ્રિટિશ સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પણ બ્રિટનામાં આ નિર્ણયની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે.વડાપ્રધાનના પ્રવક્તાએ જોકે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે.જોકે હાઈબ્રિડ કારો માટે આ નિર્ણય 2035થી લાગુ થઈ શકે છે.