ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ધીરે ધીરે શિયાળાની શરુઆત થઈ રહી છે. શિયાળાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં 15 નવેમ્બરથી શિયાળાની શરુઆત થશે અને લોકોને ઠંડીનો ચમકારો વર્તાશે. જોકે ત્યાં સુધી રાજ્યની જનતાને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે.
હાલ રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટી રહ્યુ છે જેના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જોકે દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ચોમાસુ ધીમે ધીમે વિદાય લઈ લેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-મધ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ચુકી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
હાલમાં ઉત્તર તરફના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે અને લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. જેના કારણે વહેલી સવારે ઠંડી પડી રહી છે તો દિવસે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્યના વિવિધ શહેરોના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે રાજકોટમાં 37, વડોદરામાં 36, સુરતમાં 36 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.