ફ્રાંસમાં પયગંબર કાર્ટૂન વિવાદ બાદ દુનિયાના વિવિધ ઈસ્લામિક દેશોમાં ફ્રાંસ તેમજ ફ્રાંસના રાષ્ટ્રપતિનો ભારે વિરોધ થઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં મુસ્લિમ સંગઠનો દ્વારા ફ્રાંસનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પયગંબર કાર્ટૂન વિવાદ બાદ ફ્રાંસમાં બે હુમલા પણ થયા હતા જેમાં કેટલાક લોકોના મોત નિપજ્યા હતા.
ત્યારે આ બધાની વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રોંનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ મુસ્લિમોની ભાવનાઓને સમજે છે પરંતુ કટ્ટર ઈસ્લામ તમામ માટે ખતરો છે.
કતારની ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે, દેશ મુસ્લિમોની લાગણીઓને સમજે છે, પરંતુ કટ્ટર ઇસ્લામ તમામ લોકો માટે ખતરો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મુજબ તેઓ મુસલમાનોની લાગણીઓને સમજે છે જેઓને પેયગંબરના કાર્ટૂન દેખાડવા પર ઝટકો લાગ્યો, પરંતુ જે કટ્ટર ઇસ્લામ સામે તેઓ લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બધા માટે, ખાસ કરીને મુસલમાનો માટે સૌથી મોટો ખતરો છે. તેમણે એ પણ જણાવ્યું કે, પોતાના દેશમાં બોલવા, લખવા-વિચારવા તેમજ ચિત્ર દોરવાની સ્વતંત્રતાનો હંમેશા બચાવ કરતા રહેશે. તેમણે લોકોને શાંતિને પ્રોત્સાહન આપવા અને અધિકારોની રક્ષા કરવા પણ વાત કરી હતી.