પાટણ જિલ્લામાં કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા તમામ ધાર્મિક સામાજિક કાર્યક્રમો લગ્નપ્રસંગો મેળાવડાઓ પર રોક લગાવાઈ છે.જેને લઈને સંગીતના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોના તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે બંધ થયા છે .આવી કપરી પરિસ્થિતિમાં કલાકારોને પોતાના પરિવાર જનો નું જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે પાટણ શહેરમાં પણ અનેક કલાકારો હાલમાં બેકાર બન્યાં છે.જેને કારણે તેઓને પરિવારજનોનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે.
આવા કપરા સંજોગોમાં કલાકારોને મદદરૂપ બનવા માટે પાટણ શહેરની કલાસંગિની ગ્રુપ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથેની કિટ વિતરણ કાર્યક્રમ પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં તપોવન સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો . આ કિટ વિતરણ માટે 300 જેટલા જરૂરિયાતમંદ કલાકારોની યાદી બનાવવામાં આવી છે . સરકારની ગાઈડલાઈન મુજબ રોજ 25 કલાકારોને આ રાશન કિટ આપવામાં આવશે . પ્રથમ રાઉન્ડમાં જરૂરિયાતમંદ 25 કલાકારોને રાશન કિટ આપવામાં આવી હતી .