ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. સરકારે ભલે લોકડાઉન જેવા પ્રતિબંધો નથી લગાવ્યા પરંતુ હવે તો રાજ્યમાં ઠેર ઠેર લોકો સ્વૈચ્છિક રીતે કે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવીને કોરોનાને ડામવાના પ્રયત્નો કરી રહ્યા છે.નગર પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓમાં લોકો એકબીજાના સંપર્કમાં આવવાના કારણે અને ચૂંટણીઓ દરમ્યાન કોરોનાની ગાઈડ લાઇનનું કડક પાલન ન થવાના કારણે ચૂંટણીઓ પછી પંચમહાલ જિલ્લામાં કોરોનની મહામારીએ ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે. સરકારી અને ખાનગી તમામ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની લાઈનો લાગવાના કારણે બેડ ઓછા પડી રહ્યા છે. જોકે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવેલ છે
તેમ છતાં દરરોજ ૮ થી ૧૦ લાશોનું ગોધરા સ્મશાન ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેથી અમદાવાદ- વડોદરા જેવી ગંભીર હાલત ગોધરામાં ન થાય તે માટે પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા કલેકટર અમિત અરોરા અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ તથા ધારાસભ્ય સી કે સહિતના આગેવાનોની યોજાયેલી વેપારી એસોસીએશનની સામુહિક ચર્ચાઓમાં ગોધરા ખાતે 3 દિવસ માટે સ્વૈચ્છિક બજાર બંધ કરવાનો નિર્ણય કરાયો હતો ત્યારે ગોધરામાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. જેને વેપારીઓએ સમર્થન જાહેર કર્યુ છે. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા, બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. ગોધરાની જનતાએ પણ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે સહકાર આપ્યો છે. દુકાનોની સાથે સાથે લારી- ગલ્લા વાળાઓએ પણ પોતાના ધંધા- રોજગાર બંધ રાખ્યા ગોધરા શહેરમાં આજથી વેપાર-ઉદ્યોગમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.