5 ઓગસ્ટ બુધવારના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટેનો ભૂમિપૂજન કાર્યક્રમ વિધિવત રીતે સંપન્ન થયો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ગણતરીના મહેમાનોને આમંત્રણ અપાયુ હતું. દેશભરના કરોડો લોકો આ ક્ષણની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ પ્રસંગને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો. ત્યારે ગુજરાતમાં પણ રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
(સેન્ડ આર્ટિસ્ટ, સુદર્શન પટનાયક દ્વારા તૈયાર કરાયેલ આકૃતિ )
આ પ્રસંગે જ્યાં એકબાજુ જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ ખાતે રામ મંદિરની આકૃતિ રજુ કરી હતી. તો બીજીબાજુ ગુજરાતના જામનગરની જસ્સી આહીર નામની યુવતિએ રામ મંદિર નિર્માણના કાર્યક્રમને લઈ એક ખાસ પેઈન્ટિંગ તૈયાર કર્યુ હતું. જસ્સીએ બનાવેલ પેઈન્ટિંગ્સમાં રામ મંદિર અને ભગવાન શ્રી રામને દર્શાવ્યા છે.
જેમાં મંદિરની આગળ વિશાળ મુદ્રામાં ભગવાન શ્રી રામ હાથમાં ધનુષ સાથે જોવા મળી રહ્યા છે. આ અદ્ભૂત પેઈન્ટિંગ્સને તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર તેમજ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. જેને ઘણા લોકોએ પસંદ કરી હતી.તો કેટલાક યુઝર્સે જયશ્રી રામ લખીને રામ મંદિર નિર્માણને લઈ પ્રતિક્રિયા આપીને આ પેઈન્ટિંગ્સના વખાણ પણ કર્યા હતા.
જામનગરની ખેડૂત પુત્રી જસ્સી આહીર છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના પેઈન્ટિંગ્સ તૈયાર કરી રહી છે. જેમાં કલર પેન્સિલ સ્કેચ, ગ્રેફાઈટ પેન્સિલ સ્કેચના ઉપયોગથી વિવિધ પ્રકારના પેઈન્ટિંગ્સ તૈયાર કર્યા છે..
આ ઉપરાંત જસ્સી આહિરના ભાઈ કશ્યપ દ્વારા પણ ભગવાન રામનું એક અદ્ભૂત ચિત્ર દોરવામાં આવ્યુ છે.