BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની આજે જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના પાદરાની જાણીતી પીપી શ્રોફ હાઈસ્કૂલમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હાઈસ્કૂલમાં પ્રમુખ સ્વામી મહારાજે અભ્યાસ કર્યો હતો. હવે પાદરા નગર પાલિકાએ આ શાળાનું નામનું નવુ નામકરણ કર્યુ છે.
હવેથી આ શાળા પીપી શ્રોફ હાઈસ્કૂલને બદલે પ્રમુખ સ્વામી મહારાજ હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે. બીએપીએસ સંસ્થાના સંતોની હાજરીમાં આ નામકરણ વિધિ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, વિશ્વ વંદનીય પરમપુજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ નો આજ રોજ 99મો જન્મદિન છે. તેમણે પોતાની સાધુતાના જોરે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જ નહીં પણ આધ્યાત્મિક્તાનો ડંકો વગાડ્યો છે. તેમનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક નાનકડા ગામે એટલે કે ચાણસદ ગામે થયો હતો. પ્રમુખસ્વામી મહારાજે ૧૯૪૦માં બીએપીએસના સ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પાસેથી સાધુ તરીકેની દીક્ષા ગ્રહણ કરી હતી. જેમણે પછીથી પ્રમુખસ્વામીને ૧૯૫૦માં બીએપીએસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. જોકે ત્યારબાદ યોગીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને તેમના આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસના ગુરુ તરીકે જાહેર કર્યા, જેની ભૂમિકા તેમણે ૧૯૭૧માં શરૂ કરી હતી.