ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ વાયરસના સંક્રમણને રોકવા માટે તેમજ તેનો ખાતમો કરવા માટે ઘણા દેશો વેક્સિન બનાવવામાં લાગ્યા છે. ત્યારે કોરોના વેક્સીનના ટ્રાયલ મુદ્દે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ લંડન સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને મદદ માટે અપીલ કરી છે.
બ્રિટનમાં અલગ-અલગ સમુદાયો વચ્ચે કોરોના વેક્સીનનો ટ્રાયલ કરી રહેલા નિષ્ણાંતો ઇચ્છે છે કે, બીએપીએસ સંસ્થા ભારતીય મૂળના લોકોને ટ્રાયલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીન ટ્રાયલ સાથે જોડાયેલા નિષ્ણાંતોનું કહેવું છે કે વેક્સિનના ટ્રાયલમાં વોલેન્ટિયર્સની ભરતી તેમના માટે સૌથી મોટો પડકાર છે.
કારણ કે અશ્વેત, એશિયાઇ અને અલ્પસંખ્યક સમુદાયોના લોકો ટ્રાયલમાં ભાગ લેવા માટે ખચકાઇ રહ્યા છે. એવામાં લંડનના નેસ્ડેન સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાધુ યોગી વિવેકદાસ એનલાઇન પ્રવચનોમાં પોતાના બ્રિટિશ અનુયાયીઓને કોરોના વેક્સીન ટ્રાયલ વિશે વિગતવાર સમજાવી રહ્યા છે. વેક્સિનના ટ્રાયલમાં સામેલ એક પ્રોફેસરે જણાવ્યું કે, સ્વાસ્થ સાથે જોડાયેલા આ મહત્વના પરીક્ષણને સ્વામીનારાયણ સંસ્થાનો પૂરો સપોર્ટ મળ્યો છે. તેમના મુજબ અત્યારે 1300 વોલેન્ટર્સને ટ્રાયલ સાથે જોડવામાં આવ્યા છે.