જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના તમામ પી.એચ.સી. અને સી.એચ.સી. સેન્ટરો તેમજ આર.બી.એસ.કે. યોજનામાં ભાડા કરારથી વાહનો લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. તેમજ આ ટેન્ડર પ્રક્રિયામાં પોતાના વાહનો ધરાવનાર વ્યક્તિનું ટેન્ડર મંજુર કરવાના નીતિનિયમો ને સાઈડ ઉપર કરીને જે વ્યક્તિ જોડે પોતાના એક પણ વાહન ન હોવા છતાં પણ ટેન્ડર મંજુર કરવામાં આવતું હોય છે.અને આ ટેન્ડર લેનાર ઈજારદાર પાસે એક પણ વાહન પોતાનું ન હોય ત્યારે એ ઈજારદાર અલગ અલગ અન્ય વ્યક્તિઓ જોડેથી દર વર્ષે વાહનો કમિશન પર લઇને આરોગ્ય વિભાગને આપતા હોવાની લેખિત રજુઆત ભાડા કરારના વાહન માલિકો દ્વારા કરવામાં આવી હતી. તથા આ ઈજારદાર દ્વારા વાહન ચાલકોને સમયસર ભાડાની રકમ પણ આપવામાં ન આવતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. તેમજ કોન્ટ્રાકટર અને અધિકારીઓ વચ્ચે તાલમેલ ન હોવાને લીધે વાહન માલિકો દ્વારા જાતે જ પોતાના ખર્ચે તાલુકામાંથી બિલોની વ્યવસ્થા કરી આપતા હોય છે.
જેથી વાહનોના ભાડાની રકમ સમયસર મળી શકે પરંતુ આ ઈજારદાર દ્વારા સમયસર ભાડાની રકમનું ચુકવણું કરવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે સમયસર ભાડાની રકમ મળે એ અંગે પણ માંગ કરી હતી. તેમજ ટેન્ડરમાં દર વર્ષ ભાડાની રકમમાં વધારો થવાની જગ્યાએ ધટાડો થઈ રહ્યો છે.તેવી રજુઆત પણ કરી હતી. વાહન માલિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલ બળતરના ભાવમાં પણ વધારો થયો હોવાથી ટેન્ડર પ્રક્રીયામાં મીનીમમ રકમની લીમીટ રાખે અને ટેન્ડરમાં જે તે ઈજારદાર પાસે એક પણ વાહન પોતાનું નહિ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટ રાખીને જિલ્લામાંથી કમિશન પર વાહનો લઇને કોન્ટ્રાક્ટમાં આપતા હોવાથી ગાડીઓના કમીશન પેટે મહિને લાખ્ખો રૂપિયાની કમાણી કરતા હોય છે. જેથી આવા વચેટીયાઓને બંધ કરીને વાહન માલિકોનું શોષણ થતું અટકાવવામાં આવે તેવી લેખિતમાં રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.