પંચમહાલના મોરવા હડફ વિધાનસભાના અપક્ષ પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન થયું છે. પૂર્વ ધારાસભ્યનું લાંબી માંદગી બાદ અવસાન નિપજ્યું છે. અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર ખોટું હોવાનું ઠેરવી ધારાસભ્ય પદ પરથી કરાયા હતા સસ્પેન્ડ. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. જેથી અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા હતા, ત્યારે રસ્તામાં તેમનું નિધન થયું હતું.
ભૂપેન્દ્રસિંહ ખાંટ કોંગ્રેસના બાહુબલી નેતા અને ગત સાસંદ ઉમેદવાર વેચાતભાઈ ખાંટના પુત્ર હતા. ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે મોરવા હડફ વિધાનસભાથી તેઓ બેઠક જીત્યા હતા. જોકે ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જાતિ પ્રમાણપત્રનો વિવાદ થતા અને કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા વિધાનસભામાંથી તેમને સસ્પેન્ડ કરાયા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ બિમાર હતા. ત્યારે આજ રોજ તેમનું નિધન થયુ છે. તેમના નિધનના પગલે તેમના પ્રશંસકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
મહત્વનું છે કે, વર્ષ 2017માં પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ કેન્સલ કરાયું હતું. ભૂપેન્દ્ર સિંહ ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણપત્રના આધારે કોર્ટના ચુકાદા બાદ તેમને સસ્પેન્ડ કર્યાં હતા. આ બેઠક જનજાતિ માટે અનામત છે. તેમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તે ખોટું હતું. જેને લઈને અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા હતા.