જમ્મુ અને કાશ્મીરમાં અર્ધસૈનિક દળોની તૈનાતીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અર્ધસૈનિક દળોની 100 કંપનીઓને પરત બોલાવવાનો નિર્ણ કર્યો છે. એક કંપનીમાં 100 સુરદળો હોય છે.
મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરેલા સૂચનો બાદ આ અઠવાડિયા સુધી જમ્મુ-કાશ્મીરથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 40 અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને શાસ્ત્ર સીમા બળ (SSB) ની કુલ 20-20 કંપનીઓ પરત આવશે. ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી લગભગ 10,000 અર્ધ સૈનિક જવાનોને તાત્કાલિક પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે.
તેમણે કહ્યું કે ગૃહમંત્રાલયે આ નિર્ણય સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ)ની તૈનાતની સમીક્ષા કર્યા પછી લીધો છે. મહત્વનું છે કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સુરક્ષાદળોનો કાફલો ખડકી દેવાયો હતો. ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવ્યા બાદ તેને હટાવવાનો નિર્ણય કરાયો છે.