રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ કોવિડ-19ના એન્ટીજન કે આરટીપીસીઆર ટેસ્ટ કર્યા વિના બોગસ રિપોર્ટ ઇસ્યુ કરતી હોવાની ફરિયાદ સામે આવી રહી હતી. ત્યારે આ મામલે રાજ્ય સરકારે લાલઆંખ કરી છે અને ખાનગી પેથોલોજી લેબોરેટરીઓ સામે કડક પગલા લેવા આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય પરીક્ષણ વિના કૉવિડ -19 ના બોગસ ટેસ્ટ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સુચના મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી દ્વારા આપવામાં આવી છે.
મહત્વનું છે કે સુરતની તેજસ લેબમાં કોરોનાનો ટેસ્ટ કર્યા વિના જ બોગસ રિપોર્ટ ઇસ્યુ કરવામાં આવતા હોવાનું કૌભાંડ સામે આવ્યુ હતું જેને લઈ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે સુરત મહાનગરપાલિકાએ એપેડેમિક એક્ટ અંતર્ગત આ લેબ સામે તાત્કાલિક કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, બોગસ રિપોર્ટ આપતી ખાનગી લેબોરેટરીઓ સામે પોલીસ કાર્યવાહી સહિતના કડક પગલાં લેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.