પશ્ચિમ એશિયાઇના દેશ કતારમાં મુંબઇથી ગયેલા એક કપલને ડ્રગ્સ પેડલિંગના આરોપમાં દસ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ કેસને લઇને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કપલ 2019માં હનીમૂન મનાવવા માટે કતાર ગયું હતું. જ્યાં કતાર એરપોર્ટ પર સિક્યોરિટી ચેક પછી તેમની પાસેથી 4 કિલો હશીશ મળી આવતા કતારની ડ્રગ ઇનફોર્સમેન્ટ એજન્સીએ બંને પર ડ્રગ્સ તસ્કરીનો આરોપ મૂકીને તેમની ધરપકડ કરી હતી.
જોકે આ કેસમાં તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી છે જેમાં આ યુગલના લોહીના સંબંધે જ તેમને ફસાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ ફિલ્મી પટકથા જેવી ઘટનાની શરૂઆત વર્ષ 2018થી થાય છે. જ્યારે મુંબઈમાં શરીક કુરેશીના ઓનિબા કુરેશીના નિકાહ થયા હતા. ઘર અને નોકરીની વ્યસ્તતાના કારણે આ કપલને હનીમૂન ટૂર માટેનો સમય મળ્યો ન હતો. થોડા મહિના બાદ આ નવયુગલે તેમનાં એક કાકી તબસ્સુમે પોતાના તરફથી ગિફ્ટ રૂપે પરાણે હનીમૂન પેકેજ પકડાવ્યું હતું. તબસ્સુમે તેમની સંમતિની રાહ જોયા વિના જ હોટલ, ફ્લાઇટ વગેરે બૂક કરાવી દીધાં હતાં અને હવે મારાં નાણાં વેડફાશે એમ કહી તેમને પરાણે હનીમૂન માટે ધકેલ્યાં હતાં. આ સાથે જ કાકીની કપટલીલાની શરૂઆત થઈ હતી. જેમાં બંનેને કતાર જવા માટે પ્લેનનું બુકીંગ મુંબઈના બદલે બેંગ્લોરથી કરાવવામાં આવ્યુ હતુ. બેંગ્લોર પહોંચ્યા બાદ શરીક અને ઓનિબાને એક હોટેલમાં રોકાણ કરાવ્યુ હતુ.
આ દરમિયાન તબસ્સુમે શરીકને એક બેગ આપીને તેને કતાર લઈ જવા કહ્યુ હતુ. શરીકે બેગમાં શું છે, તેવો સવાલ કર્યો તો કાકીએ તેમાં ગુટખાના પેકેટ છે, તે કતારમાં મળતા નથી એટલે લઈ જવા પડશે. આ બેગ એક સંબંધીને જ આપવાની છે, તેમ પણ જણાવ્યુ હતુ. ત્યારબાદ બંને જણાં કતારના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરાણ કર્યુ ત્યારે કસ્ટમ દ્વારા તેમના સરસામાનનું ચેકિંગ કર્યુ હતુ. આ સમયે દંપતિની બેગને ક્લિયરન્સ મળી ગયુ હતુ. પરંતુ કાકીએ આપેલી બેગને અધિકારીઓએ જપ્ત કરી લીધી હતી. કારણ તેમની તપાસમાં બેગમાંથી 4 કિલો ચરસ મળી આવ્યુ હતુ.તેઓ પોતાની જાતને નિર્દોષ પુરવાર ના કરી શકતાં બંનેની ધરપકડ થઇ હતી.