ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એટલે પૂજ્ય મહંતસ્વામી મહારાજ. તેઓ વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા છે તેમજ લાખો ભક્તોના ગુરુદેવ છે. ત્યારે આજ રોજ બીએપીએસના વડા મહંત સ્વામીના તિથી મુજબ 87મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે તારીખ 13 સપ્ટેમ્બરે અંગ્રેજી મહિના પ્રમાણે તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ મધ્યપ્રદેશમાં આવેલા જબલપુર શહેરમાં ૧૩ સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમના દિને ૧૯૩૩માં થયો હતો.
તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેઓના ૮૭મી જન્મજયંતી ઉત્સવની વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. તેઓના ૮૭મા જન્મજયંતી મહોત્સવે સમગ્ર દિવસ દરમ્યાન ભારત અને વિશ્વભરના તમામ હરિભક્તોએ ઘેર રહી વિશેષ માળા, પ્રદક્ષિણા, દંડવત, સહજાનંદ નામાવલીનું પઠન કરી ભક્તિભાવપૂર્વક પોતાના ગુરુનો જન્મદિન ઉજવ્યો હતો. તારીખ 12 સપ્ટેમ્બરે એટલે કે આજે રાત્રે શનિવારે રાત્રે 9 થી 10 દરમ્યાન ઓનલાઈન વિશિષ્ટ સભાનો લાભ પ્રાપ્ત થશે. આ ઉપરાંત રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી તારીખ પ્રમાણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો 87મો પ્રાકટ્ય દિન છે.
જન્મ જયંતી સમારોહની વિશિષ્ટ રવિસભા સાંજે 5 થી 8 ઓનલાઈન યોજાશે. જેમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો તેમજ મંત્ર પુષ્પાંજલિ સાથે સમૂહ આરતીના કાર્યક્રમનો ભક્તોને લાભ પ્રાપ્ત થશે. મહત્વનું છે કે, મહંત સ્વામી અત્યારે અમદાવાદ નજીક નૈનપુર ખાતે બિરાજમાન છે અને તેમના વિચરણના તમામ કાર્યક્રમો હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રદ્દ કરાયા છે. જોકે, તેમના પૂજા દર્શન તેમજ આશીર્વચનનો લ્હાવો ભક્તો ઓનલાઈન લઈ રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના તેઓ છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુદેવ છે. તેમજ વિશ્વભરમાં આધ્યાત્મિક આંદોલન પ્રસરાવનાર મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી છે. ૧૮મી સદીના ઘોર સામાજિક અને નૈતિક અંધકારના સમયમાં વિના શસ્ત્રે જેમણે ક્રાંતિકારીને સદાચારના અજવાળા પાથર્યા હતા એવા પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરંપરાના તેઓ વાહક છે.