દેશમાં હાલ મોંઘવારીએ માજા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. રાંધણ ગેસ સહિત પીએનજી-સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. આ દરમિયાન હવે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ પણ લોકોને રડાવવાનું શરૂ કર્યુ છે. દિલ્હીમાં જથ્થાબંધ બજારમાં 50 રૂપિયે કિલો વેચાતી ડુંગળીનો હાલ ભાવ 75 રૂપિયા સુધી પહોંચ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ડુંગળીની કિંમત લગભગ બમણી થઈ છે.
એશિયાની સૌથી મોટા ડુંગળી બજાર લાસલગામમાં જ ડુંગળીનો ભાવ 2 દિવસમાં 1 હજાર રુપિયા પ્રતિ ક્વિંટન મોંઘુ થઈ ગયો છે. લાસલગામમાં બજારમાં ડુંગળીના જથ્થા બંધ કિંમત છેલ્લા 2 દિવસમાં 970 રુપિયા પ્રતિ ક્વિંટલ વધી 4200થી 4500 રુપિયા પ્રતિ ક્વિંટલ પહોંચી ગઈ છે. આપને જણાવી દઈએ કે, નાસિકના લાસલગામથી દેશભરમાં ડુંગળી મોકલવામાં આવે છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાના કારણે તથા કરા પડવાના કારણે ડુંગળીના પાકને નુકશાન થયું છે. જેનાથી જથ્થા બંધ બજારમાં ડુંગળીની આવક ઓછી થઈ ગઈ છે. વરસાદના કારણે ડુંગળીની કિંમતમાં વધારો થયો છે. આ ઉપરાંત ડીઝલની કિંમત વધવાના કારણે ભાડામાં વધારો થયો છે. તેના કારણે દરેક ચીજવસ્તુ મોંઘી થઈ છે.